અમદાવાદ રથયાત્રા નો ઇતિહાસ
અંદાજિત સાડા ચારસો વર્ષ પહેલા એક રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના પછી આ ગાદી પર સારંગદાસજી બાપુ એ બલભદ્રજી, તેના બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી હતી. ત્યાર પછી આ મંદિર જગન્નાથજી મંદિર તરીકે પ્રસિધ્ધ થયું હતું. આ મંદિરના મંહતની ગાદી પર બાલમુકુંદદાસજી અને ત્યાર પછી નરસિંહદાસજી મહારાજ આવ્યા હતા. નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સ્વપ્નમાં આવ્યા હતા અને ત્યાર પછી તેમણે અષાઢી બીજે રથયાત્રા શરૂ કરાવી હતી. અમદાવાદમાં 137 વર્ષ પહેલા સૌપ્રથમ રથયાત્રા નિકળી હતી. લોકવાયકાના મુજબ ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી તેમના શિરે લીધી હતી. તેમણે નાળિયેરીના ઝાડમાંથી ત્રણ રથ તૈયાર કર્યા હતા, અને તેમાં ભાઈ બલભદ્રજી, સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથજીને પધરાવ્યા હતા. તે રથને ખલાસી ભાઈઓ ખેંચીને યાત્રા કરાવી હતી. ત્યારથી આજ દિન સુધી રથ ખેંચવાનું કામ ખલાસ ભાઈઓ કરે છે.
સરસપુર ભગવાનનું મોસાળુ સરસપુર કેવી રીતે બન્યું ?
137 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા એ ખુબ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા, સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુસંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું, ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. ત્યારથી રણછોડજી મંદિરમાં જ દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે અને આજની તારીખ સુધીમાં 20 વર્ષ સુધીના મોસાળાનું બુકિંગ થઈ ગયું છે. અને અત્યારે સરસપુરની તમામ પોળોના રહિશોએ રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે.
રથયાત્રા ની ભવ્યતા
રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ(હાથી), 101 શણગારેલી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો(ખટારા), અંગ કસરતના દાવ બતાવતા 30 અખાડા, 2000 જેટલા સાધુ સંતો ભાગ લેશે, 18 ભજન મંડળીઓ, ત્રણ બેન્ડવાજા, 1000થી 1200 ખલાસીભાઈઓ રથ ખેંચવા માટે હોય છે, 2000 જેટલા સાધુ સંતો ભાગ લેશે. રથયાત્રા સવારે 7 વાગ્યે નિકળી અમદાવાદના 22 કિલોમીટર લાંબા માર્ગ પર ફરીને રાત્રે 8.30 વાગ્યે નીજ મંદિરે પરત પાછી ફરે છે.